મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસના મતે હિરેનની હત્યા પહેલા તેને ક્લોરોફોર્મ સુંઘાડવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. હિરેનના ચહેરા પર ઈજાના પણ અનેક નિશાન મળી આવ્યા હતા.
મહારાષ્ટ્ર એટીએસએ આ મામલે આરોપી પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને નરેશ ગૌરની પુછપરછ કરી હતી અને હિરેનની હત્યા કઈ રીતે થઈ તેવો સવાલ કર્યો હતો. આ સાથે જ સચિન વાજેનું લોકેશન શોધવા મોબાઈલ ટાવર અને આઈપી એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ફોરેન્સિક ટીમે અનેક ગાડીઓની પણ તપાસ કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે હત્યા પહેલા મનસુખ હિરેનના ચહેરા પર ઈજા પહોંચી હતી. તેમના મોઢાના ડાબા હિસ્સાને ઈજા પહોંચી હતી અને ખાસ કરીને ખોપડીમાં વાગ્યું હતું. એટીએસના અધિકારીઓને એવી શંકા છે કે, જ્યારે આરોપીઓ બળજબરીપૂર્વક તેના નાક પર ક્લોરોફોર્મ રેડી રહ્યા હતા તે સમયે ઈજા પહોંચી હશે. એક અહેવાલ પ્રમાણે ક્લોરોફોર્મના કારણે હિરેન બેભાન થઈ ગયો હશે અને બાદમાં કથિત રીતે તેની હત્યા કરી દેવામાં આવી હશે.
મનસુખ હિરેનની લાશ મળી આવી તે સમયે તેના માસ્ક પાછળ મોઢા અને નાકની અંદર રૂમાલ હતા. મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તે પાંચેય રૂમાલ જાેયા હતા. આ રૂમાલોને રોલ કરીને માસ્ક પાછળ રાખવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે તે રૂમાલ તેમના મોઢામાં હતા અને તે બાંધેલા ન હતા. તે રૂમાલમાં ક્લોરોફોર્મ હોય અને તેના કારણે ગૂંગળામણથી મનસુખ હિરેનનું મોત થયું હોય તેવી આશંકા છે. આ કારણે ફોરેન્સિક રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મનસુખના પરિવારજનોએ પોલીસ ઓફિસર વાજે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો અને હવે એનઆઈએ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.