પાકિસ્તાન તહરિક-એ-ઇંસાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને પ્રધાનમંત્રી પદ પર રહેતા આરોપ લગાવ્યો હતો કે તેમને પદ પરથી હટાવવા માટે વિદેશી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આ માટે તેમણે અમેરિકાનું નામ પણ લીધું હતું. જાેકે હવે પૂર્વ પીએમ ઇમરાન ખાને આ આરોપથી યૂ ટર્ન લીધો છે. પોતાના એક નિવેદનમાં કહ્યું કે તે કોઇ પણ દેશની વિરુદ્ધ નથી.
જ્યારે ઇમરાન ખાન પ્રધાનમંત્રી હતા તો તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ અમેરિકા સાથે મળીને તેમની સરકારને પાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે. તેની સાબિતી તરીકે તેમણે દેશના નામે સંબોધનમાં એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાેકે ગત દિવસે કરાચીમાં એક રેલી દરમિયાન ઇમરાન ખાને કહ્યું કે તે ભારત, યુરોપ કે પછી સંયુક્ત રાજ્ય અમેરિકા સહિત કોઇપણ દેશની વિરુદ્ધ નથી. કરાચીમાં બાગ-એ-જિન્નામાં એક વિશાળ રેલીને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે તે ફક્ત માનવતા સાથે ઉભા છે. હું દુનિયાના કોઇ દેશની વિરુદ્ધ નથી. ના હું ભારત વિરોધી છું, ના યુરોપ વિરોધી કે ના અમેરિકા વિરોધી. હું કોઇ એક સમુદાય વિશેષ સામે નથી પણ માનવતા સામે ઉભો છું. હાલમાં ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાનને રશિયા સામે વોટ આપવા માટે કહેવા પર યુરોપીય સંઘ પર પ્રહાર કર્યો હતો. ઇમરાને કહ્યું હતું કે શું તે ઇસ્લામાબાદને પોતાના ગુલામ સમજે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમે ઘણા સમયે ભારતનો વિરોધ કર્યો હતો પણ સત્તા જતા પહેલા ભારતની વિદેશ નીતિને લઇને ઘણી પ્રશંસા કરી હતી.
થોડા દિવસો પહેલા ઇમરાન ખાને ભાષણમાં કહ્યું કે, વિદેશી ભંડોળ દ્વારા પાકિસ્તાનમાં સરકાર બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણા લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટાભાગના લોકો તેનાથી અજાણ છે પરંતુ કેટલાક લોકો આ પૈસાનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરી રહ્યા છે.” “અમે જાણીએ છીએ કે અમારા પર દબાણ લાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે. અમને લેખિતમાં ધમકી આપવામાં આવી છે પરંતુ અમે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન નહીં કરીએ.