વોશિંગ્ટન,નવી દિલ્હી, ફોનને હેક કરવાવાળો ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસ, જેના કારણે વૈશ્વિક સ્તરે ધમાલ મચી છે. ઘણા દેશોએ હવે આ મામલે તપાસની માંગ કરી છે. આ સોફ્ટવેર દ્વારા પત્રકારો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓના ફોન હેક થયા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે, ” આ સોફ્ટવેર દ્વારા તેની જાસૂસી કરવામાં આવી રહી છે.”ફ્રેન્ચ સરકારે મીડિયા કર્મચારીઓની કથિત જાસૂસીની તપાસ શરૂ કરવાનો નિર્ણય પણ કર્યો છે. ફ્રેન્ચ તપાસકર્તાઓ, 10 વિવિધ આક્ષેપો પર આ બાબતે તપાસ કરશે. આમાં તે પણ તપાસવામાં આવશે કે, પેગાસસથી ગોપનીયતાનો ભંગ થયો હતો કે નહીં.આરોપ છે કે, મોરોક્કો ની ગુપ્તચર એજન્સીએ, આ સોફ્ટવેર દ્વારા ફ્રેન્ચ પત્રકારોની જાસૂસી કરી હતી.મીડિયા અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે, પેગાસસ દ્વારા ભારતના પત્રકારો અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા અને મોનિટર કરવામાં આવ્યા હતા.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે જે વ્યક્તિનો ફોન હેક થવાનો છે તેને ભ્રષ્ટ સંદેશ અથવા ફાઇલ મોકલીને ડિવાઇસ હેક કરવામાં આવે છે.વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, સંભવિત દેખરેખ માટે પસંદ કરાયેલા લોકોમાં 189 પત્રકારો, 600 થી વધુ રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ, ઓછામાં ઓછા 65 વ્યવસાયિક અધિકારીઓ, 85 માનવાધિકાર કાર્યકરો અને રાજ્યના ઘણા વડાઓ શામેલ છે.
આ પત્રકારો એસોસિએટેડ પ્રેસ, રોઇટર્સ, સીએનએન, ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સ જેવી સંસ્થાઓ માટે કામ કરે છે.મુખ્યત્વે મધ્ય પૂર્વ અને મેક્સિકોમાં લક્ષ્યાંકિત દેખરેખ માટે એનએસઓ ગ્રુપના સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે, સાઉદી અરેબિયા એ, એનએસઓના ગ્રાહકોમાંનું એક છે. આ યાદીમાં ફ્રાન્સ, હંગેરી, ભારત, અઝરબૈજાન, કઝાકિસ્તાન અને પાકિસ્તાન સહિતના ઘણા દેશોના ફોન પણ છે. આ સૂચિમાં મેક્સિકોના સૌથી વધુ ફોન નંબર્સ છે. તેની પાસે મેક્સિકોના 15,000 નંબરો છે.
ધ ગાર્ડિયન દ્વારા અપાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 40 ભારતીય પત્રકારોના ફોન પણ હેક થયા છે. તેમાંના ધ હિન્દુસ્તાન ટાઇમ્સ, મિન્ટ, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, નેટવર્ક 18, ઇન્ડિયા ટુડે, ધ ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારો છે.નોંધનીય છે કે, પેગાસસ એક સોફ્ટવેર છે. જેના દ્વારા તમારો વ્યક્તિગત ડેટા મેળવી શકાય છે. આમાં સંદેશા, ઇમેઇલ્સ, કેમેરા, ઓડિઓ વિડિઓઝ તેમજ સોશ્યલ મીડિયા જેવા કે વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે શામેલ છે. તે મિસ્ડ કોલ દ્વારા સ્થાપિત થાય છે.