અમદાવાદમાં એક સિનિયર સિટીઝનના ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. બનાવની વિગત પ્રમાણે અડધી રાત્રે વૃદ્ધના ઘરના દરવાજાનો બેલ વાગ્યો હતો. સામેથી અવાજ આવ્યો કે, જેક અંકલ દરવાજો ખોલો. સિનિયર સિટીઝને કંઈ જ વિચાર્યા વગર દરવાજો ખોલતા જ ત્રણ લૂંટારુ તેમની આંખમાં મરચાંની ભૂકી નાંખી દીધી હતી. જે બાદમાં તેમને સેલો ટેપથી બાંધીને ટીવી, મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. વૃદ્ધ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને છેલ્લા આઠ વર્ષથી અહીં ઘરે રહે છે. તેમના પત્ની હાલ અમેરિકા ખાતે રહે છે. વૃદ્ધ ભારત અને અમેરિકા બંને દેશની નાગરિકતા ધરાવે છે. વૃદ્ધને કોઈ સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની વિગતે વાત કરીએ તો બહેરામપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નરેન રતિલાલ શાહે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે 25મી ફેબ્રુઆરીએ રાત્રે તેઓ ઘરે હાજર હતાં. રાત્રિના પોણા બે વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદમાં તેઓ ઘરનો દરવાજો બંધ કરીને ઊંઘી ગયા હતા.
રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બેલ વાગ્યો અને કોઇએ બૂમ પાડી કે જેક અંકલ દરવાજો ખોલો. જેથી ફરિયાદીએ કંઈ વિચાર્યા વગર સીધો દરવાજો ખોલી દેતા ત્રણ લૂંટારૂ તેમની આંખમાં મરચાની ભૂકી નાંખીને ઘરમાં ઘૂસી ગયા હતા. ત્રણેયએ વૃદ્ધને પકડીને મોઢા પર ફેંટો મારી હતી. જે બાદમાં વૃદ્ધને નીચે પાડી દઈને લાતો મારી હતી. ફરિયાદીએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતા તેમના મોઢા પર સેલોટેપ મારી દીધી હતી. આ ઉપરાંત તેઓના હાથ રસોડાના ટેબલ સાથે સેલોટેપથી બાંધી દીધા હતા.