શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલા વિવેકાનંદનગરના સ્મશાન ગૃહમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં પોલીસે એક યુવતીની લાશને સળગતી ચિતા પરથી ઉતારી હતી અને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. મૃતક તેના રિક્ષાચાલક પ્રેમી સાથે કોઈની બર્થ ડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે રિક્ષા અચાનક પલટી હતી અને તેનું મોત થયું હતું. પોલીસ ફરિયાદથી બચવા માટે પ્રેમીએ બે મિત્રોને બોલાવ્યા હતા અને તેના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. અંતિમ વિધિ થઈ ગઈ હતી અને લાશ બળીને રાખ થાય તે પહેલા જ પોલીસ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી. પોલીસે તરત જ લાશને ચિતા પરથી નીચે ઉતારી હતી અને ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
હાલ ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર કેસની વાત કરીએ તો, મૃતક યુવતી વસ્ત્રાલમાં રહેતી હતી અને દેહવ્યાપારનો વ્યવસાય કરતી હતી. તેના પ્રેમીનું નામ પંકજ છે, જે રિક્ષા ચલાવતો હતો. તે નિયમિત યુવકીને નરોડા પાટિયા લેવા મૂકવા માટે જતો હતો. મળેલી રહેલી માહિતી પ્રમાણે, બુધવારે સાંજે યુવતી પંકજ સાથે વટવા ચાર માળિયામાં રહેતા તેના ખાસ મિત્ર પરવેઝની દીકરીના બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા પહોંચી હતી. ત્યાંથી નીકળીને જ્યારે પંકજ યુવતીને ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે યશોદાનગર ચાર રસ્તા પાસે અચાનક તેને ખેંચ લાવવા લાગી હતી.
પંકજે તેને ચાલુ રિક્ષાએ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પંકજ પહેલા યુવતીને લઈને એલજી હોસ્પિટલ જવા નીકળ્યો હતો. પરંતુ તે પોલીસ કેસ થશે અને જેલમાં જવું પડશે તેવા ડરથી તેણે રિક્ષા ફરીથી પરવેઝના ઘર તરફ વાળી હતી. પરવેઝે ચેક કર્યું તો યુવતીના ધબકારા બંધ થઈ ગયા હતા અને તેનું મોત થયું હતું. આ કારણથી પંકજે પરવેઝ સાથે મળી યુવતીના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેના ભાઈ ફુરકાને પણ સાથ આપ્યો હતો. ત્રણેય યુવતીની લાશને લઈને વિવેકાનંદનગર સ્મશાન ગૃહ પહોંચ્યા હતા. તેમણે તેની લાશને ચિતા પર ઊંઘાડી હતી અને અંતિમ ક્રિયા કરી હતી. પરંતુ લાશ સંપૂર્ણ રીતે સળગી જાય તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
મૂળ અમદાવાદના ચાંદખેડા વિસ્તારની રહેવાસી અને લગ્ન બાદ આબુ સ્થાયી થયેલી મહિલાનું પણ રહસ્યમય સંજાેગોમાં મોત થયું હોવાની ઘટના બની હતી. જે બાદ તેના સાસરી પક્ષના સભ્યો પિયરને પણ જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરી આવ્યા હતા. આ વાતની જાણ થયા બાદ મહિલાના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના પિતાએ સાસરિયાં સામે દહેજ માટે શારીરિક અને માનસિક અત્યાચાર ગુજાર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. બીજી તરફ સાસરિયાંએ મહિલાનું મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાનું કહ્યું હતું.