અમદાવાદમાં ક્રિસમસ પહેલા જ દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા શહેરમાં દેશી દારુ અને વિલાયતી દારુ ઘુસાડવામાં આવી રહ્યો છે, પોલીસ કમિશ્નર દ્વારા દરેક દારૂના અને જુગારના અડ્ડાઓ ઉપર રેડ કરીને બંધ કરાવવાના આદેશ આપવા છતાં કેટલાય વિસ્તારોમાં છડે ચોક દારુનું વેચાણ અને જુગાર ના અડ્ડા ચાલી રહ્યા છે. કોઈ જગ્યાએ ઝડપાઈ જાય છે તો કોઈ જગ્યાએ આસાનીથી શહેરમાં દારુ ઘુસાડી દેવામાં આવે છે, બાતમીના આધારે જે તે વિસ્તારોમાં રેડ કરવામાં આવે છે પરંતુ પોલીસ રેડ કરવા પહોચે તે પહેલા તો મુખ્ય સુત્રધાર ફરાર થઈ જતા હોય છે, તેના માટે પોલીસની કામગીરી જ શંકાના દાયરામાં આવી જતી હોય છે, કારણ કે પોલીસ પહોચે તે પહેલા બુટલેગરને ભાગી જવાના મેસેજ પહોચી જતા હોય છે. ક્યાંક ને ક્યાંક પોલીસની સાઠગાંઠ દ્વારા આ દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બે દિવસ પહેલા જ PCB દ્વારા બોમ્બે વરલી મટકાનો સટ્ટો-અને જુગારધામ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા બે સગા ભાઈ-બહેનની ક્રાઈમ બ્રાન્ચના PSI એમ.એમ.ગઢવી દ્વારા, માધુપુરાના દૂધેશ્વરમાં આવેલા ઔડાના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરતા અબ્દુલ મિયાણા અને તેની બહેન નસીમબાનું મિયાણા ની તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે, ધરપકડ સાથે ઘર પાસે પડેલા પ્લાસ્ટીકના થેલામાં 135 લીટર જેટલો દેશી દારુ ઝડપાયો છે, કહેવામાં આવે છે કે, માધુપુરાના PI એમ.બી.બારડ માધુપુરા વિસ્તારમાં દારુ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે માધુપુરા પાઈ અને વહીવટદાર ની રહેમ નજર નીચે આ અડ્ડાઓ ચાલી રહ્યા છે. એટલા માટે તો બીજી એજન્સીઓ દ્વારા આવીને દરોડા પાડવા આવવું પડે છે.