અમદાવાદ, 16 ડિસેમ્બર. અમદાવાદમાં હવે ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં તેની સાથે જ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. વહેલી પરોઢિયે ટ્રાવેલ કરતા ટ્રક ડ્રાયવરો સવારની ઠંડીમાં ઝોકું આવી જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દે છે અને સામે આવતા વાહનો જોડે ભયાનક ટક્કર થઈ જાય છે. આવો જ એક કિસ્સો આજે વહેલી સવારે નારોલ થી પીરાણા તરફ જવાના રોડ પર બન્યો હતો. જેમાં એક ટ્રક ચાલકને સવારની ઠંડીમાં ઝોકું આવી જતા તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને રોડની વચ્ચેનું ડીવાઈડર કુદાવીને સામેના રસ્તે એક લક્ઝરી બસ સામે પહોચી ગઈ હતી અને બંને વચ્ચે સામસામે ટક્કર થઇ જવાથી ભયાનક એક્સીડેન્ટ થયો હતો. તેની સાથે બાજુમાંથી પસાર થઈ રહેલી એક આઈશર ટ્રકે પણ ટક્કર મારી દીધી હતી. જેમાં બે જણાને ગંભીર રીતે ઈજાઓ પહોચી છે. ટ્રક અને લક્ઝરી બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોચીને હાઈવે પરના ટ્રાફિકને છુટો કરાવ્યો હતો, પોલીસે 108 ને પણ જાણ કરી હતી, તેણે પણ આવીને ઘાયલોને હોસ્પિટલ પહોચાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે તે હવે અકસ્માત મામલે તપાસ કરી રહી છે.